શાર્દુલ વિક્રિદિત છંદ
છે કો ઈશ્વર ? હું જ ઈશ્વર વડો, મારા સમો કો અહિં ?
મોજે વૈભવ ભોગવું, યજનથી છે સ્વર્ગ નિશ્ચે વળી;
ધૂમાડો ભરિયો બહુ મગજમાં આવા જનો જે અહિં..
તે જાણે સૃજનાર શું જગતના, જે અંતરે સર્વની.
ઇશે સ્વર્ગ સહિત સૂર્ય પ્રકટ્યા જે દેવ અર્પે પ્રભા,
અગ્નિને ઝળકાવિયા સ્તુત બહુ બીજા ધરા ધારતા;
ત્રીજા ઔષધિને ઉગાડત તથા સૌ પ્રાણી જીવાડતા,
વર્ષે જે જળ રાખી ગર્ભ યજને, પર્જન્ય તે ઉદ્દ્ભવ્યા.
જેનાં ચક્ષુ જુએ બધે, મુખ સઉ આ સર્વ વાણી વદે,
જેનાં બાહુથી કાર્ય સર્વ બનતાં સર્વત્ર પાદો ફરે,
જોઈ ધર્મ અધર્મ પંચભૂતના સંભાર જીવે ભરે,
દ્યુ પૃથ્વી સૃજતા સ્વરૂપથી મહા તે દેવ અદ્ભુત છે.
કર્મો ભૂત ભવિષ્યનાં જન તણાં ને વર્તમાને વળી,
જાણે જે મન સૂર્ય ! આપનું રીઝો યજ્ઞ ધૃતાંશ ગ્રહી;
નિર્વીઘ્ને અમ સૌ બૃહસ્પતિ કરો વિસ્તાર યજ્ઞો તણો,
અર્પી યજ્ઞથી વિશ્વદેવ શુભનાં પ્રસ્થાન મંડાવજો.