Saturday, October 3, 2020

ઓ ઇશ્વર

Rohtang pass world's biggest Atal tunnel 
કવિ શ્રી દલપતરામ ને જન્મદિવસે સાદર વંદના ...આ કવિતા થી યાદ કરીએ, જેની પહેલી બે કડી રાત્રે સૂતી વખતે ......

આખી કવિતા વાંચ્યા ને તો ઘણો સમય થઈ ગયો હશે!!


 ઓ ઇશ્વર ભજીએ તને, 
મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, 
થાય અમારાં કામ.

હેત લાવી હસાવ તું, 
સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, 
તો પ્રભુ કરજો માફ.

પ્રભુ એટલું આપજો, 
કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, 
સાધુ સંત સમાય.

અતિથિ ઝાંખો નવ પડે, 
આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, 
આશિષ દેતો જાય.

સ્વભાવ એવો આપજો, 
સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, 
પડોશી ઇચ્છે પ્રીત.

વિચાર વાણી વર્તને, 
સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, 
ઇચ્છું કુશળક્ષેમ.

આસપાસ આકાશમાં, 
હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, 
વિશ્વપતિનો વાસ.

ભોંયમાં પેસી ભોંયરે, 
કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, 
જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, 
કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, 
ઠાલુ ના મળે ઠામ.

જોવા આપી આંખડી, 
સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, 
ભલું કર્યું ભગવાન.

ઓ ઇશ્વર તું એક છે, 
સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, 
તેં કીધા તૈયાર.

તારા સારા શોભતા, 
સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, 
જબરું તારું જોમ.

અમને આપ્યાં જ્ઞાન ગુણ, 
તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, 
એ તારો ઉપકાર.

કાપ કલેશ કંકાસ ને, 
કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, 
કાપ કષ્ટ સુખ આપ.

ઓ ઇશ્વર તમને નમું, 
માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને,
સુખમાં રાખો સાથ.

મન વાણી ને હાથથી, 
કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, 
પાળો બાળ તમામ.

*કવિ દલપતરામ*

*શ્રી દલપતરામની આ કવિતા*
*જેટલી વાર વાંચીએ*
*એટલી વાર ભગવાન ઉપર*
*આપણો અહોભાવ વધતો જ*
*જાય છે...*

*આ ઉપરાંત ભગવાન પાસે*
*શું માંગવું અને કેવી રીતે માંગવું*
*અને કેવી રીતે આભાર*
*વ્યક્ત કરવો એ બધુજ*
*આ કવિતામાં આવે છે*

Reference WhatsApp media

No comments:

Post a Comment